Gallary
ભારે સંઘર્ષ વચ્ચે સોનેરી સફળતા
ભારે સંઘર્ષ વચ્ચે સોનેરી સફળતા
એક સમયે હાઈબ્લડ પ્રેશર તથા ડાયાબિટીશના દર્દી 36 વર્ષીય મેહુલભાઈ જોશીએ માઉન્ટ એવરેસ્ટ સર કરવાની સિદ્ધિ નોંધાવી.
જો તમારે જિંદગીમાં કંઈ ધારેલું કોઈ લક્ષ્ય હાંસલ કરવું હોય, તો તમારી પાસે અથાંગ પરિશ્રમ સિવાય બીજા કોઈ વિકલ્પ નથી, તેમ ગુજરાતના બિઝનેસમેન અને તાજેતરમાં જ વિશ્વનું સૌથી ઉંચું એવરેસ્ટ માઉન્ટ એવરેસ્ટ સર કરનારા મેહુલભાઈ જોશીએ જણાવ્યું હતું
મેહુલે 16 મે 2018, સવારે 4:30 માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરી ત્યારે તેમણે પોતાનું પાંચ વર્ષ જૂનું સપનું પૂરું કર્યું હતું. આ સ્વપ્ન પૂરું કરવા માટે તેમણે ભારે સંઘર્ષ કર્યો છે.
મેહુલભાઈ ચાઈનાનાં હસ્તક આવતા માઉન્ટ એવરેસ્ટની ઉતર બાજુથી ચડાણ કર્યું હતું.જે અતિ મુશ્કેલ ચડાણમાનું એક છે.
દિલીપ સુથાર સાથે વાત કરતાં મેહુલભાઈ જોષીએ જણાવ્યું હતું કે,"આ મારા માટે જિંદગીમાં ક્યારેય ન ભૂલી શકાય તેવી પળ હતી. માઉન્ટ એવરેસ્ટ સર કર્યા બાદ ત્યાં ટોચ પરથી ભારતીય ત્રિરંગો લહેરાવો એ આહલાદક પળ આખી જિંદગી મારી સાથે રહેશે".
મેહુલભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, "માઉન્ટ એવરેસ્ટ પર કોઈ પણ પર્વતારોહક પાંચ મિનિટથી વધારે ન રોકાઈ શકે પરંતુ હું નસીબદાર હતો, મારી પાસે ઓક્સિજન વધારે માત્રામાં હોવાથી હું ત્યાં 35 મિનિટ સુધી રોકાયો અને ત્યાનો નજારો માણ્યો હતો".
મેહુલભાઈના જણાવ્યા પ્રમાણે, તેમના ગ્રુપમાં 36 લોકો માઉન્ટ એવરેસ્ટ સર કરવા નિકળ્યા હતા પણ તેમાંથી તે એકમાત્ર જ વેજીટેરિયન હતા. તેના કારણે તેમણે મોટાભાગના દિવસો દાળ-ભાત ખાઈને જ પસાર કર્યા હતા કારણ કે તેમાંથી કાર્બોડાઈડ્રેટ્સ તથા પ્રોટીન વધારે માત્રામાં મળે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મેહુલભાઈનું 15 કિલોગ્રામ વજન ઘટી ગયું હતું.
માઉન્ટ એવરેસ્ટની 45 દિવસ લાંબી પ્રક્રીયા (મીટરમાં)
બેસ કેમ્પ 5200 મીટર
ઈન્ટરીમ કેમ્પ 5650 મીટર
એડવાન્સ બેસ કેમ્પ 6230 મીટર
ક્રેન્પોન પોઈન્ટ 6400 મીટર
કેમ્પ 1. 7100 મીટર
કેમ્પ 2. 7900 મીટર
કેમ્પ 3. 8300 મીટર
સમીટ 8844 મીટર
આજના યુવાનો નાની-નાની વાતમાં અને મુશ્કેલીઓમાં નાસીપાસ થઈ હિંમત હારી જતા હોય છે.
આવા યુવાનો માટે સાબરકાંઠાના હિંમતનગરના 36 વર્ષીય યુવાન મેહુલભાઈ જોષી પ્રેરણા સમાન છે. મેહુલભાઈએ એવી સિદ્ધિ મેળવી છે કે જેને સાંભળી દરેક ગુજરાતીની છાતી ગજ-ગજ ફૂલી જાય. મેહુલભાઈ તાજેતરમાં જ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ ફતેહ કરી પરત ફર્યા છે.
આ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ગુજરાતી છે. આ સફળતા અને સિદ્ધિ આમ જ નથી મળી, તેની પાછળ તેમની સતત મહેનત અને પોતાના સ્વપ્નને કોઈપણ ભોગે પૂર્ણ કરવાનું ઝનૂન છે. આ જ મહેનતે અને ઝનૂને તેમને માઉન્ટ એવરેસ્ટ સર કરતા એક માત્ર ગુજરાતી યુવાનું ગૌરવ અપાવ્યું છે.
મેહુલભાઈના અત્યાર સુધીનું પર્વતારોહણ
1) રશિયાનું ઈલબ્રુજ શિખર 5642 મીટર
2) લેહનું માઉન્ટ સ્ટોક કાંગરી 6153 મીટર
3) ઉત્તરાખંડનું માઉન્ટ થેલું 6003 મીટર
4) ઉત્તરાખંડનું માઉન્ટ ભગીરથી 6512 મીટર
5) ઉત્તરાખંડનું માઉન્ટ સતોપંથ 7075 મીટર